વૃદ્ધ મહિલાના મોબાઇલ નંબરનો કથિત દુરુપયોગ; બિહાર સાયબર પોલીસ થી સુરતના સરનામે નોટિસ
ટ્રેન્ટ-ઝુડિયોના નામે ઓનલાઈન રોકાણનું પ્રલોભન; રૂ. 26.70 લાખની છેતરપિંડીનો આક્ષેપ
સુરત/ : ઓનલાઈન રોકાણના નામે રૂ. 26 લાખ 70 હજાર 500ની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલામાં હવે એક ચોંકાવનારી બાબત પણ સામે આવી રહી છે. કથિત રીતે છેતરપિંડી કરનાર વ્યક્તિએ એક વૃદ્ધ મહિલાના મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. આ વૃદ્ધ મહિલાનો સમગ્ર નાણાકીય વ્યવહાર સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, ટ્રેન્ટ લિમિટેડ તેમજ ઝુડિયોના નામનો ઉપયોગ કરીને ઓનલાઈન રોકાણનું પ્રલોભન આપવામાં આવ્યું હતું. રોકાણકારનો વિશ્વાસ સંપાદિત કરવા માટે વિવિધ ઈ-મેલ આઈડી અને ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, અલગ-અલગ તારીખે ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. 26,70,500 જમા કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ અપેક્ષિત વળતર કે રોકાણની રકમ પરત ન મળતાં છેતરપિંડી થયાની શંકા ઊભી થઈ હતી.
વૃદ્ધ મહિલાના નંબરનો ઉપયોગ કોને કર્યો?
આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે કથિત છેતરપિંડી કરનાર વ્યક્તિએ એક વૃદ્ધ મહિલાના મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હોવાની માહિતી સામે આવી છે. જો આ વાત તપાસમાં સાચી સાબિત થાય, તો કોઈ અન્ય વ્યક્તિએ વૃદ્ધ મહિલાની જાણ બહાર તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન છેતરપિંડીનું નેટવર્ક ચલાવ્યું હોવાની શક્યતા છે. વધુમાં, થીબિહાર સાયબર પોલીસ આ વૃદ્ધ મહિલાના સુરત (ગુજરાત) સ્થિત ઘરનાં સરનામે નોટિસ આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના કારણે વૃદ્ધ મહિલાના નામ, મોબાઇલ નંબર અથવા અન્ય વ્યક્તિગત માહિતીનો ગેરકાયદેસર ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
સાયબર તપાસ જરૂરી
આ મામલામાં બિહારથી આવેલી નોટિસ, સુરતમાં રહેતી વૃદ્ધ મહિલાનો મોબાઇલ નંબર અને રૂ. 26.70 લાખના નાણાકીય વ્યવહારો વચ્ચે શું સંબંધ છે, તેની સઘન સાયબર તપાસ જરૂરી બની છે. સંબંધિત ઈ-મેલ આઈડી, વેબસાઈટ, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવે તો છેતરપિંડી પાછળ રહેલી વ્યક્તિ અથવા ટોળકી સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાયબર ગુનેગારો દ્વારા સામાન્ય નાગરિકોના મોબાઇલ નંબર અને વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થવાના જોખમને ઉજાગર કર્યું છે.
નોંધ : ઉપરોક્ત માહિતી ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને ઉપલબ્ધ વિગતોના આધારે છે. સમગ્ર મામલાની સત્તાવાર તપાસ બાદ જ છેતરપિંડી પાછળની વ્યક્તિઓ અને તેમની ભૂમિકા સ્પષ્ટ થશે.